વચનામૃત ગઢડા મધ્યનું - ૩૭

સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં. માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાયે કરીને ટળે ? પછી સર્વે જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાણું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એનો ઉત્તર એમ છે જે, એ સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિષે અતિશે વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશે પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુઃખવીને કઠણ વચન કહે તોપણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી, માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઇચ્છા હોય, તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારુ ગમે તેટલા તિરસ્કાર કરે, ને ગમે તેવાં કઠણ વચન કહે તોપણ કોઈ રીતે દુઃખાવું નહિ, ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ ટળી જાય છે. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૭।। (૧૭૦)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે ને અમારા સંત તિરસ્કાર કરીએ તોપણ ગુણ લે, ને દુઃખાય નહિ તો ન ટળે એવી પ્રકૃતિ હોય તે પણ ટળી જાય. (૧) બાબત છે.

       પ્ર. આમાં જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે એમ કહ્યું, અને (વ. ૧૭ના પહેલા પ્રશ્નમાં) ઇન્દ્રિયોને જીતે તેને જ્ઞાની કહ્યો છે, માટે આમાં કહ્યું તે જ્ઞાન કેવું જાણવું ? અને એમાં કહ્યું તે કેવું જાણવું ?

       ઉ. આમાં સાર-અસારને જાણે પણ દેહાદિક સર્વે પદાર્થને દુઃખદાયી જાણીને તેમાં દોષબુદ્ધિ થઈ ન હોય, તેથી પ્રકૃતિ વશ ન રહે માટે તે અપક્વ જ્ઞાન જાણવું, અને (વ. ૧૭માં) શ્રીજીમહારાજ વિના બીજું સર્વે અસત્ય ને દુઃખદાયી જાણીને તેને વિષે દોષદૃષ્ટિ થઈ હોય અને તે પદાર્થનો અતિશે અભાવ થઈ ગયો હોય તેવું જ્ઞાન કહ્યું છે, માટે તે પરિપક્વ જ્ઞાન જાણવું. ।।૩૭।।